બી. જી. શાસ્ત્રી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી
વડાલી શહેરની શ્રી બી. જી. શાસ્ત્રી હાઈસ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં પોલીસ તંત્ર, સાયબર સુરક્ષા અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓને વડાલી પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી.
પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને પોલીસની કામગીરી, કાયદો અને વ્યવસ્થા જાળવવાની પ્રક્રિયા તેમજ પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનો અને હથિયારો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા
. પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ અંગે પણ વિસ્તૃત સમજ આપી હતી. ખાસ કરીને મોબાઈલ ફોન, સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના ઉપયોગ દરમિયાન અજાણ્યા વ્યક્તિ સાથે વ્યક્તિગત માહિતી શેર ન કરવી, અજાણી લિંક પર ક્લિક ન કરવું તથા ઓનલાઈન છેતરપિંડીથી સાવચેત રહેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 
આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ પોલીસ અધિકારીઓ સાથે સંવાદ કરી વિવિધ પ્રશ્નો પણ પૂછ્યા હતા. પોલીસ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી કાયદા પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના કેળવવા પ્રેરણા આપવામાં આવી હતી.
ત્યારબાદ વડાલી પોલીસ સ્ટેશનના PSI શ્રી જે. બી. પરમાર સાહેબ તથા આશાબેન દ્વારા શ્રી બી. જી. શાસ્ત્રી હાઈસ્કૂલની મુલાકાત લેવામાં આવી હતી. શાળામાં ધોરણ ૬થી ૧૨ના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ અને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને ટ્રાફિક સિગ્નલનું પાલન, હેલ્મેટનો ઉપયોગ, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો તેમજ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી હતી. સાથે જ સાયબર ક્રાઈમથી બચવા માટે સાવચેતી રાખવા અને કોઈપણ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હોય તો તાત્કાલિક પોલીસની મદદ લેવા અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવા, કાયદા અને નિયમો અંગે જાગૃતિ લાવવા તથા સાયબર સુરક્ષા અને માર્ગ સલામતી અંગે જવાબદાર નાગરિક બનવા માટે પ્રેરિત કરવાનો હતો.
કાર્યક્રમના અંતે શ્રી બી. જી. શાસ્ત્રી હાઈસ્કૂલના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ પરિવારે વડાલી પોલીસ સ્ટેશનના PSI શ્રી જે. બી. પરમાર સાહેબ, આશાબેન તથા પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ અને શાળા વચ્ચેના આવા જાગૃતિ સભર કાર્યક્રમો વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.
બ્યુરો રિપોર્ટ : વિશાલ ચૌહાણ, સાબરકાંઠા
મો ન 9998340891


