ત્રણ તોલાની સોનાની ચેન એક તોલાની થઈ..
ડીશવોશ ડેમોના બહાને ત્રણ અજાણ્યા શખ્સોએ હાથફેરો કર્યો
વડાલી તાલુકાના મહોર ગામે ડીશવોશ લિક્વિડનો ડેમો બતાવવાના બહાને ઘરમાં પ્રવેશેલા ત્રણ અજાણ્યા શખ્સોએ સોનાની ચેનમાં હાથફેરો કર્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. ત્રણ તોલા જેટલી સોનાની ચેન ધોવાના બહાને લીધા બાદ પરત કરાયેલી ચેનનું વજન કરાવતા તે માત્ર એક તોલા જેટલી હોવાનું સામે આવતાં પરિવાર ચોંકી ઉઠ્યો હતો. આ અંગે સુથાર પાર્થકુમાર ઈશ્વરભાઈએ વડાલી પોલીસ મથકમાં લેખિત અરજી કરી ત્રણ અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
મળતી માહિતી મુજબ, ગુરુવારે સવારે ત્રણ અજાણ્યા શખ્સો બાઈક પર મહોર ગામે સુથાર પાર્થકુમાર ઈશ્વરભાઈના ઘરે પહોંચ્યા હતા. તે સમયે ઘરમાં પાર્થકુમારના માતા-પિતા અને બહેન હાજર હતા. પાર્થકુમારની માતા ઘરના ચોકમાં વાસણ ધોઈ રહી હતી, જ્યારે તેમના પિતા પણ નજીકમાં હાજર હતા.
આ દરમિયાન ત્રણેય શખ્સોએ પોતે ડીશવોશ લિક્વિડનો ડેમો બતાવવા અને તેની જાહેરાત માટે આવ્યા હોવાનું કહી પરિવાર સાથે વાતચીત શરૂ કરી હતી. વાતોમાં વિશ્વાસ કેળવ્યા બાદ તેમણે મહિલાને પોતાની પાસે રહેલી સોનાની ચેન ડીશવોશ લિક્વિડથી ધોઈ આપવાની વાત કરી. તેમની વાતમાં આવી મહિલાએ ગળામાં પહેરેલી અંદાજે ત્રણ તોલાની સોનાની ચેન ધોવા માટે શખ્સોને આપી હતી.
ચેન ધોઈ આપ્યાનું જણાવી ત્રણેય શખ્સોએ ચેન પરત કરી અને ત્યારબાદ બાઈક પર ત્યાંથી નીકળી ગયા. જોકે, શખ્સો ગયા બાદ પરિવારને ચેન અંગે શંકા ઉપજી. જેથી ચેનનું વજન કરાવતાં આશરે ત્રણ તોલાની ચેનની જગ્યાએ માત્ર એક તોલા જેટલું વજન હોવાનું સામે આવ્યું. પરિણામે ડેમો બતાવવાના બહાને સોનાની ચેનમાંથી સોનું કાઢી લેવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ બનાવને પગલે પરિવારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર મામલે પાર્થકુમાર ઈશ્વરભાઈએ વડાલી પોલીસ મથકમાં લેખિત અરજી આપી ત્રણ અજાણ્યા શખ્સો સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે.
હવે પોલીસે ઘટનાસ્થળ તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા તપાસી શખ્સોની ઓળખ મેળવવા અને સમગ્ર ઘટનાની હકીકત બહાર લાવવા માટે કાર્યવાહી કરવી જરૂરી બની છે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


