બાબાસાહેબની પ્રતિમાને પણ ન છોડ્યા! વડાલીમાં આંબેડકરની પ્રતિમાના ચશ્મા ચોરી જતાં ભારે આક્રોશ
આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવાની માંગ, 24 કલાકનું અલ્ટીમેટમ; કાર્યવાહી નહીં થાય તો વડાલી બંધ અને રસ્તા રોકો આંદોલન..
વડાલી શહેરમાં રોયલ પાર્ક સોસાયટી નજીક આવેલી ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પરથી અજાણ્યા શખ્સો ચશ્મા કાઢી લઈ જતા ગંભીર ઘટના સામે આવી છે. મહાનુભાવની જાહેર પ્રતિમા સાથે છેડછાડની ઘટના પ્રકાશમાં આવતા દલિત સમાજ સહિત વિવિધ સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. ઘટનાને પગલે સ્થાનિક આગેવાનો, યુવાનો તથા ભીમ આર્મીના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

બનાવની જાણ થતાં વડાલી મામલતદાર સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી સ્થિતિને થાળે પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બીજી તરફ પ્રતિમાના ચશ્મા ચોરી જનાર શખ્સોને તાત્કાલિક ઝડપી પાડવાની ઉગ્ર માંગ સાથે આગેવાનો અને વિવિધ સંગઠનોના હોદ્દેદારોએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી.

ભીમ આર્મીના હોદ્દેદાર નિકુંજ સોલંકીએ પોલીસ પ્રશાસન સમક્ષ આરોપીઓને ઝડપી પાડવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ જો સમયમર્યાદામાં આરોપીઓ ઝડપાશે નહીં તો સોમવાર અથવા મંગળવારે વડાલી બંધ તેમજ ‘રસ્તા રોકો’ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વડાલી પોલીસ ઉપરાંત LCB અને SOGની ટીમો પણ તપાસમાં જોડાઈ છે. પોલીસે પ્રતિમા આસપાસ તથા નજીકના વિસ્તારોમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. ઘટનાના સમયગાળા દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ તથા આસપાસથી પસાર થયેલા લોકો અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આરોપીઓ સુધી પહોંચવા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
પોલીસ દ્વારા આ ઘટનામાં માત્ર ચશ્માની ચોરી થઈ છે કે પ્રતિમા સાથે ઇરાદાપૂર્વક છેડછાડ કરી શહેરનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે સહિતની તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. હાલ વડાલી પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સમાજ અગ્રણી રામભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વડાલી શહેરમાં બાબાસાહેબ ડો. આંબેડકરની પ્રતિમાના ચશ્મા સાથે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલી છેડછાડને સખત શબ્દોમાં વખોડીએ છીએ. બાબાસાહેબે તમામ સમાજ, ધર્મ, કોમ અને જાતિના લોકો માટે બંધારણ આપ્યું છે ત્યારે તેમની પ્રતિમા સાથે આવું કૃત્ય અત્યંત અયોગ્ય અને નિંદનીય છે.
તેમણે વહીવટી તંત્ર, જિલ્લા કલેક્ટર અને પોલીસ તંત્રને ઘટનાની ગંભીરતાથી તપાસ કરી આરોપીઓને તાત્કાલિક ઝડપી કાયદેસરની કડક કાર્યવાહી કરવા અપીલ કરી હતી. સાથે જ તમામ સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં જનઆંદોલન કરવાની ફરજ પડશે અને તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
વડાલી મામલતદાર કચેરી ખાતે સાંજના સમયે ડીવાયએસપી, મામલતદાર, પીઆઈ સહિત ના અધિકારીઓ ની અધ્યક્ષતામાં ભીમ આર્મી સંગઠન સહિત દલિત સમાજના હોદ્દેદારો અને આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી જેમાં 24 કલાકના અપાયેલા અલ્ટીમેટમ મામલે પોલીસ સહિત વહીવટી તંત્રએ સામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ત્યારે સમાજના હોદ્દેદારો સહિત આગેવાનોએ બાબાસાહેબ ની પ્રતિમાને ફૂલહાર પહેરાવી નવા ચશ્મા પહેરાવ્યા હતા
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


