ઊના તાલુકાના વાસોજ ગામે આદમખોર દીપડાનો આંતક: યુવક પર હુમલો, ભયનો માહોલ
ઊના, ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના વાસોજ ગામે વહેલી સવારે આદમખોર દીપડાના હુમલાથી ભયનો માહોલ સર્જાયો છે. ગામના ૧૯ વર્ષીય યુવક વિશાલભાઈ ભાણાભાઈ સીલોત પર દીપડાએ હુમલો કરતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે ઊનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે વન વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વાસોજ ગામના વિશાલભાઈ ભાણાભાઈ સીલોત શુક્રવારે વહેલી સવારે પોતાની વાડીએ જઈ રહ્યા હતા. અંધુ બેરેડ વાસોજની સીમમાંથી પસાર થતી વખતે અચાનક એક આદમખોર દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલાથી વિશાલભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા.ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વિશાલભાઈને તાત્કાલિક ઊનાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. આ ઘટનાને પગલે વાસોજ ગામ અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગ્રામજનોમાં દીપડાના વધુ હુમલા થવાના ડરથી દહેશત જોવા મળી રહી છે.આદમખોર દીપડાના હુમલાની જાણ થતા જ વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. વન વિભાગ દ્વારા ગામલોકોને સાવચેત રહેવા અને રાત્રીના સમયે એકલા બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી વન્યપ્રાણી અને માનવ વસવાટ વચ્ચેના સંઘર્ષનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના