હિંમતનગર શહેર ના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા સપ્તાહથી સ્ટ્રીટ લાઇટો બંધ.
(સંજય ગાંધી-સાબરકાંઠા)
અઠવાડીયા અગાઉ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિત મોટાભાગના તાલુકાઓમાં વાવાઝોડા સાથે પડેલા વરસાદને કારણે અસંખ્ય વીજપોલ પડી ગયા હતા.જોકે સમયસર વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા સમારકામ કરાયા બાદ વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો હતો. તો બીજી તરફ હિંમતનગરના અનેક વિસ્તારોમાં છેલ્લા આઠ દિવસથી નગરપાલિકાની બેદરકારીને કારણે સ્ટ્રીટ લાઇટો બંધ છે. જે અંગે સ્થાનિકોએ નગરપાલિકામાં કરેલી અનેક રજૂઆતો બાદ પણ સ્ટ્રીટ લાઇટો શરૂ થઇ ન હોવાના આક્ષેપ હિંમતનગરવાસીઓ કરી રહ્યા છે.ત્યારે ચોમાસાના માહોલમાં બંધ સ્ટ્રીટ લાઈટોનું સમારકામ જલ્દીથી કરાય તે ઈચ્છનીય છે.
સૌથી મોટી સમસ્યા એ છે કે
રાત્રે મોટાભાગના રસ્તાઓ ઉપર અંધારપટ છવાઇ જાય છે: પાલિકાને રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતી હોવાની બુમરાણ
આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અઠવાડીયા અગાઉ હિંમતનગરમાં રાત્રે ફુંકાયેલા ભયંકર વાવાઝોડાને કારણે સ્ટ્રીટ લાઈટો સહિત વીજકંપનીના વીજપોલ પડી જતાં વીજપુરવઠો બંધ થઈ ગયો હતો.જેમાં ખાસ કરીને ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલ અનેક સોસાયટીઓમાં તથા અન્ય જાહેર રસ્તા ઉપર નગરપાલિકા સંચાલિત સ્ટ્રીટ લાઈટો બંધ છે. જે અંગે સ્થાનિક રહીશોએ નગરપાલિકાના સંલગ્ન વિભાગમાં અનેક રજૂઆતો કરી હોવા છતાં કેમ તે રજૂઆતો પ્રત્યે ધ્યાન અપાતું નથી. તે અંગે રહીશો સમજી શકયા નથી.આ સિવાય જલારામ મંદિર થી સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ સુધી આજ દિન સુધી બેરણા પંચાયત અને પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ લગાડવામાં આવી જ નથી જેથી સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પાસે આવેલ બેરણા કંપા તથા કેશવ હાઈટ્સ ના રહેવાસીઓ ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
અત્યારે અવારનવાર રાત્રે સતત વરસાદ વરસી રહ્યો છે. તેમ છતાં લોકોને કામ અર્થે ઘરેથી નિકળવું પડે છે. ત્યારે સોસાયટીઓમાં તથા જાહેર રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને કારણે અંધારપટ છવાઈ જાય છે. જેથી કયારેક ચોરો અંધારાનો લાભ લઈને કોઈક મકાનને નિશાન બનાવી ચોરી કરી જાય તેવી શકયતા હિંમતનગરવાસીઓ સેવી રહ્યા છે.ત્યારે નગરપાલિકાના સંગ્લન વિભાગ દ્વારા તપાસ કરીને સત્વરે સ્ટ્રીટ લાઈટો શરૂ કરાય તે ઇચ્છનીય છે.