ઊના પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, ધારીનો શખ્સ મુદ્દામાલ સાથે પકડાયો
ઊના પોલીસે દારૂબંધીના કાયદાનો ભંગ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ઊના-ભાવનગર રોડ પર આવેલા રોકડિયા હનુમાન મંદિર નજીકથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગ્રે કલરની મારૂતિ સુઝુકી વેગેનોર GJ 17 N 5498 કારમાંથી 1,02,400 ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ઊના પોલીસની ટીમ ઊના-ભાવનગર રોડ પર આવેલા રોકડિયા હનુમાન મંદિર નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે તેમને ગુપ્ત બાતમી મળી હતી કે, ગ્રે કલરની મારૂતિ સુઝુકી વેગેનોર કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સઘન વોચ ગોઠવી હતી.થોડા સમય બાદ બાતમી મુજબની ગ્રે કલરની વેગેનોર કાર આવતા પોલીસે તેને રોકાવી હતી. કારની તલાશી લેતા તેમાંથી કાળા જબલામાં છુપાવેલ વિદેશી દારૂની 48 નંગ સ્પેશિયલ વ્હિસ્કીની 180 ml બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો અને કાર મળી કુલ 1,02,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ મામલે પોલીસે ધારીના અસ્લમ જીવાશા શેર નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસે અસ્લમ જીવાશા શેર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ચલાવી રહી છે. ઊના પોલીસની આ કાર્યવાહીથી દારૂનો ગેરકાયદેસર ધંધો કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.