*સરસ મેળાની સફળતા*
———
*ઉદ્દઘાટનના માત્ર ૬ કલાકમાં રૂ.૩૦ હજારનું વેચાણ*
———
*’માશ્રય આજીવિકા જૂથ’ની મહિલાએ સ્વાશ્રયી બનવાનો આગવો માર્ગ પ્રશસ્થ કર્યો*
———-
*ખાખરા, અથાણા, મુખવાસ, પાપડ, મીઠાઇ સહિતની વસ્તુઓ બનાવી મહિને અંદાજિત રૂ.૧ લાખની આવક મેળવતી સખી મંડળની મહિલા*
———
ગીર સોમનાથ તા.૨૮, જીવનમાં કંઇક કરી શકવાની ઝંખના હોય તો તમે કંઇક પણ કરી શકો છો. આ ઝંખના અમરેલી જિલ્લાના જીકિયાણી ગામના ઝંખનાબહેન નસીતે વાસ્તવમાં સાકાર કરી બતાવી છે. આજે સખી મંડળના સથવારે ઝંખનાબહેન મહિને અંદાજિત રૂ.૧ લાખ કમાઇ આત્મનિર્ભર બન્યાં છે.
સોમનાથના સદ્દભાવના ગ્રાઉન્ડ ખાતે આયોજિત સરસ મેળામાં પોતાના સ્ટોલ થકી ખાખરા, અથાણા, મુખવાસ, પાપડ, મીઠાઇ સહિતની વસ્તુઓ વેચીને ઉદ્દઘાટનના માત્ર ૬ કલાકમાં ઝંખનાબહેને રૂ.૩૦ હજારની આવક મેળવી આગવું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, સરસ મેળામાં રાજ્યભરમાંથી ૫૦ જેટલા સખી મંડળ જૂથ દ્વારા વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યાં છે. જેમાં અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જીકિયાણી ગામના ઝંખનાબહેન નસીતનો સ્ટોલ આગવું આકર્ષણ જમાવી રહ્યો છે. તેમની હાથ બનાવટની ખાણીપીણીની વસ્તુઓ લેવા માટે લોકો રીતસર ભીડ લગાવી છે.
ઝંખનાબહેન નસીતે આ અંગે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા હું મારા પતિ સાથે સુરત રહેતી હતી. પરંતુ, ઘરની આર્થિક પરિસ્થિતિને કારણે સુરત છોડીને અમરેલી જિલ્લાના વતનના ગામે આવવું પડ્યું હતું. જેથી પતિનો ચાલુ ધંધો બંધ પડ્યો. આ સમયે ઘર ચલાવવા માટે કંઇક પ્રવૃત્તિ કરવાની જરૂરિયાત ઉભી થઇ.
આ અગાઉ, હું ઘરે સિલાઇકામ કરીને મહિને રૂ. ૬ હજાર કમાતી હતી. પરંતુ, ઘરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને કંઇક વધુ મોટું કરવાની મહેચ્છાને કારણે આ વ્યવસાય શરૂ કર્યો.
મને ખાખરા, અથાણા, મુખવાસ સહિતની વસ્તુઓ બનાવતા આવડતી હતી. તેથી ઘરેથી નાનાપાયે તેની શરૂઆત કરી આ માટે એફડબલ્યુડબલ્યુબી (ફેન્ડ ઓફ વુમ વર્ડ બેન્ક) પાસેથી પણ આ અંગેની વધુ તાલીમ મળી અને આ સંસ્થા દ્વારા સાધન ખરીદી માટે રુ.૧ લાખની સહાય પણ આપવામાં આવી હતી. જેથી મારો વ્યવસાય ધીમે-ધીમે ચાલવા લાગ્યો.
આ બાદ મેં એક વર્ષ પહેલા ૧૦ બહેનોનું “માશ્રય આજીવિકા જૂથ” નામનું સખી મંડળ બનાવ્યું અને તેના દ્વારા અમે ખાખરા, અથાણા, મુખવાસ, પાપડ, મીઠાઇ સહિતની વસ્તુઓ બનાવી વેચાણ કરવાનું શરૂ કર્યું.
ઘીમે-ધીમે મેં રાજ્યભરમાં યોજાતા સખી મંડળના મેળાઓમાં ભાગ લેવા લાગી. રાજ્ય સરકારના ‘મિશન મંગલમ્’ અભિયાન દ્વારા મને તે અંગેની સારી એવી મદદ મળી. આજે હું ઘરેથી ઓર્ડર લઇને તેમજ વિવિધ મેળાઓમાં મારી ચીજવસ્તુઓનું વેચાણ કરીને મહિને અંદાજિત રૂ.૧ લાખ જેટલી આવક મેળવું છું.
તેમણે સરસ મેળામાં રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુવિધાઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, આ મેળામાં મને વિના મૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. તેમજ નાસ્તા-જમવાની પણ સુવિધા કરી આપવામાં આવી છે. આ અગાઉ બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના અમરેલી ખાતે યોજાયેલા મેળામાં મને ૧૦ દિવસમાં રૂ.૩ લાખની આવક થઇ હતી. ત્યારે આ મેળામાં અંદાજિત રૂ.૫ લાખ જેટલી આવક થવાનો અંદાજ છે.


