>
Saturday, July 18, 2026

મામલતદારશ્રી ગીર ગઢડાને આવેદન પત્ર પાઠવ્યું,જુના ઉગલા ગામમાં તસ્કરોનો આતંક, દારૂ-ગાંજાના ખુલ્લા વેપારના આક્ષેપ: ગ્રામજનોએ પોલીસને 5 દિવસનું અલ્ટીમેટમ

મામલતદારશ્રી ગીર ગઢડાને આવેદન પત્ર પાઠવ્યું,જુના ઉગલા ગામમાં તસ્કરોનો આતંક, દારૂ-ગાંજાના ખુલ્લા વેપારના આક્ષેપ: ગ્રામજનોએ પોલીસને 5 દિવસનું અલ્ટીમેટમ

 

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના જુના ઉગલા ગામમાં છેલ્લા એકથી દોઢ વર્ષથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામના લોકોનો આક્ષેપ છે કે ગામમાં અવારનવાર ચોરી, નુકસાન, દારૂ અને ગાંજા જેવા માદક પદાર્થોના વેપાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સતત વધી રહી છે, છતાં પોલીસ તરફથી કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી.ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા એકથી દોઢ વર્ષ દરમિયાન ખેડૂતોના ખેતરોમાંથી પાર સર્વિસ, સ્ટાર્ટર, ઝટકા મશીન, પાણીની પાઇપલાઇન સહિત લાખો રૂપિયાના ખેતીના સાધનોની ચોરી થઈ છે. એક વર્ષ પહેલાં યોગેશભાઈ ભરતભાઈ કીડેચાના ખેતરમાંથી અંદાજે 900 ફૂટ પાર સર્વિસની ચોરી થઈ હતી, પરંતુ આજદિન સુધી ચોરો ઝડપાયા નથી. આ ઉપરાંત અનેક ખેડૂતોના ખેતરોમાંથી ખેતીના સાધનોની ચોરી થતાં ખેડૂતો આર્થિક રીતે ભારે પરેશાન બન્યા છે.ગ્રામ પંચાયતની મિલકત પણ અસામાજિક તત્વોના નિશાને આવી હોવાનું જણાવાયું છે. પાણી પુરવઠાની મોટરોની સર્વિસ ચોરી, બોરવેલમાં પથ્થરો નાખીને નુકસાન પહોંચાડવું, પાણીના ટાંકા અને અન્ય સરકારી સામાનની ચોરી જેવી ઘટનાઓ વારંવાર બની હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.ચોરોના હૌસલા એટલા વધી ગયા છે કે હવે ગામના રહેણાંક મકાનો પણ સુરક્ષિત રહ્યા નથી. બાલુભાઈ ભીમજીભાઈ નાંડોળાના ઘરે અંદાજે બે લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને ઘરવખરીની ચોરી થઈ હતી. જ્યારે નગુભાઈ રબારીના ઘરે પણ અંદાજે રૂ. 1.75 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.આટલું જ નહીં, ભગવાનના મંદિરો પણ ચોરોના નિશાનેથી બચ્યા નથી. સ્વામીનારાયણ મંદિર અને રામનાથ મહાદેવ મંદિરમાંથી અંદાજે રૂ. 30 હજારની કિંમતી વસ્તુઓની ચોરી થઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.ગ્રામજનોનો આરોપ છે કે ચોરી અંગે વારંવાર ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં અરજીઓ આપવામાં આવી હોવા છતાં તપાસ માત્ર કાગળો પૂરતી જ સીમિત રહી છે અને કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી. લોકોમાં એવો પણ આક્ષેપ છે કે પોલીસ તપાસ માત્ર દેખાવ પૂરતી થઈ રહી છે.

આ ઉપરાંત જુના ઉગલા ગામમાં વર્ષોથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. અનેક રજૂઆતો છતાં થોડા દિવસો માટે દારૂનું વેચાણ બંધ થાય છે, પરંતુ બાદમાં ફરીથી ખુલ્લેઆમ શરૂ થઈ જાય છે. એટલું જ નહીં, ગામમાં ગાંજા જેવા માદક દ્રવ્યોનું પણ વેચાણ થતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગામમાં બેફામ દારૂનું વેચાણ થતું હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે.ગામલોકોએ સરકાર અને પોલીસ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાંચ દિવસની અંદર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી લેવામાં નહીં આવે તેમજ દારૂ અને ગાંજાના વેપાર પર કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગામના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાળ પર ઉતરશે. આંદોલન દરમિયાન સર્જાનારી કોઈપણ પરિસ્થિતિ માટે સરકાર, પોલીસ તંત્ર અને સંબંધિત વહીવટી તંત્ર જવાબદાર રહેશે તેવી પણ રજૂઆતમાં સ્પષ્ટ નોંધ કરવામાં આવી છે.હવે સૌની નજર પોલીસ તંત્ર પર છે કે ગ્રામજનોના ગંભીર આક્ષેપોને ધ્યાને લઈ તાત્કાલિક અને કડક કાર્યવાહી થાય છે કે નહીં.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores