>
Tuesday, February 3, 2026

ઊનામાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા: રસ્તા પરથી ખસવાનું કહેતા યુવાન પર પટ્ટા વડે ખૂની હુમલો, વીડિયો વાઈરલ

ઊનામાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા: રસ્તા પરથી ખસવાનું કહેતા યુવાન પર પટ્ટા વડે ખૂની હુમલો, વીડિયો વાઈરલ

 

ગીરસોમનાથ જિલ્લાના ઊના શહેરમાં જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ ગત રાત્રિએ રસ્તા પરથી ખસવા જેવી નજીવી બાબતે રણજીતભાઇ પર પટ્ટા અને લાતો વડે બેરહેમ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી હુમલાખોરોએ પોતાની દાદાગીરીનું પ્રદર્શન કરતા સમગ્ર પંથકમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઊનાના રહેવાસી રણજીત બાંભણીયા પોતાની ઈનોવા કાર લઈને ગીર ગઢડા રોડ પર આવેલા 80 ફૂટના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે રસ્તા વચ્ચે બેઠેલા કેટલાક શખસોને રણજીતે કાર પસાર કરવા માટે ખસી જવાનું કહ્યું હતું. આ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી,

જેનું વેર રાખીને શખસોએ ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો.વરસિંગપુર રોડ પર સમીર ગેસ એજન્સી પાસે હુમલાખોરોએ રણજીતની કારને આંતરી લીધી હતી. સૌપ્રથમ પથ્થરમારો કરીને કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. રણજીત કારમાંથી નીચે ઉતરતા જ ચારથી વધુ શખસોએ તેને ઘેરી લીધો હતો અને પટ્ટા અને લાતો વડે મારપીટ કરી જાહેરમાં રસ્તા પર ફેંકી દઈને બેરહેમ રીતે માર મારવામાં આવ્યો.

રણજીતનો મિત્ર તેને બચાવવા વચ્ચે પડ્યો હતો, પરંતુ હુમલાખોરોએ તેને પણ ધક્કો મારી ઈજા પહોંચાડી હતી.હુમલાખોરોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હતો.આ ઘટના બાદ ઇજાગ્રસ્ત રણજીતને તાત્કાલિક 108 મારફતે ઊનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ કોળી સમાજના લોકો અને આગેવાનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન દોડી ગયા હતા.પીડિત રણજીત બાંભણીયાએ મીડિયા સમક્ષ પોલીસની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા છે રણજીતનો દાવો છે કે તેણે જે વિગતો આપી હતી તે મુજબ પોલીસે ફરિયાદ નોંધી નથી અને હકીકતોમાં ફેરફાર કર્યો છે. સમાજના લોકોએ અન્ય કોમના હુમલાખોરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની અને શહેરની કાયદો-વ્યવસ્થા સુધારવાની માગ કરી છે.સ્થાનિક પોલીસે હાલ આ વિસ્તારના CCTV ફૂટેજ અને DVR કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રણજીતની ફરિયાદને આધારે 4 અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે, પરંતુ પીડિતનો અસંતોષ જોતા આ મામલો આગામી સમયમાં વધુ ગરમાય તેવી શક્યતા છે. ઊનામાં દિન-પ્રતિદિન વધતી જતી આવી ઘટનાઓ પોલીસની પેટ્રોલિંગ અને ધાક સામે પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કરે છે. સામાન્ય નાગરિકો હવે રસ્તા પર નીકળતા પણ ડર અનુભવી રહ્યા છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores