>
Saturday, February 7, 2026

સાબરકાંઠાના નિવૃત્ત કર્મચારી સાથે ₹23 લાખની ઠગાઈ, 

સાબરકાંઠાના નિવૃત્ત કર્મચારી સાથે ₹23 લાખની ઠગાઈ,

 

પોલિસી ના નાણાં પરત આપવાની લાલચ આપી ઓનલાઈન પડાવ્યા

 

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કંબોસણી ગામના એક નિવૃત્ત સરકારી કર્મચારી ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા છે. ધરોઈ સિંચાઈ વિભાગમાંથી નાયબ હિસાબનીશ તરીકે નિવૃત્ત થયેલા 73 વર્ષીય દલપતસિંહ રામસિંહ ચૌહાણ પાસેથી ₹23,18,071 ની છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

દલપતસિંહ ચૌહાણે વર્ષ 2011 થી 2013 દરમિયાન રિલાયન્સ, શ્રીરામ અને એસ.બી.આઈ લાઈફ ઇન્શ્યોરન્સની વિવિધ પોલિસીઓ લીધી હતી, જે પ્રીમિયમના અભાવે બંધ પડી ગઈ હતી. આ બંધ પડેલી પોલિસીના નાણાં પરત મેળવવા માટે તેમણે ગૂગલ પરથી મેળવેલા નંબરો પર સંપર્ક કર્યો હતો, જેના પગલે ઠગ ટોળકી સક્રિય થઈ હતી.

ઠગબાજોએ પોતાની ઓળખ IRDAI (દિલ્હી) ના મેનેજર ‘સંજીવ પ્રકાશ મિશ્રા’ તરીકે આપી હતી. તેમણે ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે દિલ્હી સંસદ માર્ગના સરનામેથી ખોટા ઓર્ડર કોપી ટપાલ દ્વારા મોકલી હતી, જેમાં દલપતસિંહને ₹ 97,71,900 મળવાપાત્ર હોવાનું દર્શાવાયું હતું.

એટલું જ નહીં, ઠગ ટોળકીએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે કોટક મહિંદ્રા બેંકના ₹50.89 લાખ અને ₹52 લાખના બે ચેક પણ મોકલી આપ્યા હતા.

આ કરોડોની રકમ મેળવવા માટે પ્રોસેસિંગ ફી અને ટેક્સના નામે ઠગબાજોએ દલપતસિંહને અલગ-અલગ બેંક ખાતાઓમાં નાણાં જમા કરાવવા દબાણ કર્યું હતું.

‘સંજીવ પ્રકાશ મિશ્રા’ અને ‘એસ.એન. સેનાપતી’ નામના શખ્સોએ વોટ્સએપ દ્વારા યુપી ગ્રામીણ બેંક, RBL બેંક, PNB અને HDFC જેવી બેંકોના ખાતા નંબરો પૂરા પાડ્યા હતા.

ફરિયાદીએ પોતાના અને પોતાના પુત્રોના ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ ₹23,18,071 ની રકમ આ ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી.

જ્યારે દલપતસિંહે તેમને મળેલા ચેક SBI વડાલી શાખામાં જમા કરાવ્યા, ત્યારે બેંક અધિકારીઓએ જણાવ્યું કે આ ચેક જે ખાતાના છે તે ખાતું બંધ થઈ ગયેલું છે. ત્યારબાદ આરોપીઓના મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા બંને ફોન બંધ આવ્યા હતા.

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા દલપતસિંહ ચૌહાણે આખરે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores