ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એક નવી દિશા. નવી રાહ
સાબરકાંઠામાં સ્ટ્રોબેરીની સફળ ખેતી કરીને આર્થિક સધ્ધરતા મેળવતા પ્રગતિશીલ ખેડૂત શ્રી કરશનભાઇ પટેલ

આપણા વડવાઓ ખેતીમાં રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરતા ન હતા જેથી તેઓ ૧૦૦ વર્ષથી વધુ તંદુરસ્ત જીવન જીવતા હતા: ખેડૂત શ્રી કરશનભાઈ
ગુજરાતના અનેક જિલ્લાના ખેડૂતો અને કૃષિના વિધાર્થીઓ કરશનભાઇના ખેતરની મુલાકતે આવે છે

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકા ચિત્રોડી ગામના ખેડૂતશ્રી કરશનભાઇ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી સાબરકાંઠામાં સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી રહ્યા છે. તેઓ ૨૦૦૮ થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ પોતે ગ્રામસેવકની નોકરીમાંથી નિવૃત થયા છે. સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધા બાદ આ ખેતીની શરૂઆત કરી હતી. ત્યારબાદ આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઇ તેઓ આ ખેતીમાં નવીન પ્રયોગ કરી રહ્યા છે. જેમાં સફળતા મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણા બની રહ્યા છે.
કરશનભાઇ જણાવે છે કે, તેઓ છેલ્લા ત્રણ વર્ષ થી આ સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે. તેમણે પ્રથમ વર્ષ ૫૦૦ છોડ, બીજા વર્ષે ૨૦૦૦ છોડ અને આ વર્ષે ૫૦૦૦ છોડ વાવ્યા છે. આજે દર અઠવાડીએ લગભગ ૧૬૦ કિલો થી વધુ સ્ટ્રોબેરીનું ઉત્પાદન થાય છે અને ૧ કિલોના રૂ. ૪૦૦ના ભાવે વેચાણ થાય છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, આ ખેતી માટે તેમણે છોડ મંગાવવાનો ખર્ચ, મલ્ચીંગ અને અન્ય ખર્ચ લગભગ ૧ લાખ જેટલો થયો છે. તેની સામે તેમના ખેતરમાં સ્ટ્રોબેરી ફળની ક્વોલીટી અને ઉત્પાદન જોતા રૂ. ૮ લાખ જેટલો નફો થશે. તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હજુ મે માસ સુધી આ ફળનુ ઉત્પાદન ચાલુ રહેશે.
સાબરકાંઠા જેવા ગરમ વિસ્તારમાં પણ સ્ટ્રોબેરીની ખેતી થઈ શકે છે તે પણ સફળ રીતે તે કરશનભાઈની આગવી કોઠા સૂઝ અને પ્રાકૃતિક પદ્ધતિના લીધે શક્ય બન્યું છે. તેમના ખેતરની સ્ટ્રોબેરી ખાવામાં મીઠી સ્વાદિષ્ટ અને પ્રાકૃતિક પદ્ધતિથી હોવાના કારણે વિટામિન્સ અને મિનરલથી ભરપૂર હોય છે. સ્ટ્રોબેરીનું અઠવાડિયામાં બે વખત અમદાવાદ અને હિંમતનગર ખાતે પ્રાકૃતિક ખેતીના વેચાણ કેન્દ્રો ઉપર આ સ્ટ્રોબેરીનું વેચાણ કરવામાં આવે છે.
કરશનભાઈ પાસે પાંચ ગીરગાય છે. તેઓ પોતાના ખેતરની સાથે સાથે આસપાસના ખેડૂતોના ખેતરમાં પણ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવામાં આવે તે માટે પ્રયત્નશીલ છે. અને અન્ય ખેડૂતોને પણ આ ખેતી માટે પ્રોત્સાહિત કરે છે. વધુમાં તેઓ ઉમેરે છે કે ખેડૂત જો વ્યવસ્થિત પ્લાનિંગ કરીને ખેતી કરે તો આ વ્યવસાય ખૂબ જ ફાયદાકારક છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, આપણા વડવાઓ પહેલા ખેતીમાં રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરતા ન હતા, જેથી તેઓ ૧૦૦ વર્ષથી વધુ તંદુરસ્ત જીવન જીવતા હતા. પણ છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોએ વધુ પાક મેળવવા માટે જમીનમાં રાસાયણિક ખાતર અને દવાના ઉપયોગ કર્યો જેના કારણે જ ખેતીના પાકમાં રોગ ઉભા થયા જે રોગને દૂર કરવા ફરી રાસાયણિક દવા જંતુનાશક દવાનો ઉપયોગ કરીને જમીન અને પાક બન્નેમાં રાસાયણિક કેમિકલ ભેળવાઈ જવાથી જમીન અને ખોરાક લેનાર મનુષ્યને નુકસાન થઈ રહ્યું છે.
ખેડૂત જગતનો તાત છે તેથી જો પ્રાકૃતિક ખેતી તરફ લોકો વડે અને પ્રાકૃતિક ખેતી કરે તો ખેતીમાં નફો વધુ અને ખર્ચનું પ્રમાણ ઘટશે સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય પણ સુધરશે. હાલમાં જે નવી નવી બીમારીઓ આવી રહી છે તેના પર પણ બ્રેક વાગશે. જમીનમાં પાણીનું પ્રમાણ વધશે ખેતરમાં અળસિયા હોવાથી જમીન પોચી અને ઉપજાવ બનશે. આ સાથે જમીનમાં કુદરતી નાઇટ્રોજન મળશે અને જેના કારણે જમીનમાં ખનીજ તત્વો વધશે. સરવાળે ઓછી મહેનતે વધુ ઉત્પાદન અને કેમિકલ મુક્ત અનાજ શાકભાજી દરેકના રસોડા સુધી પહોંચશે. જ્યારે પણ ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં આયામો બનાવવામાં કે દવા બનાવવામાં કોઈ મૂંઝવણ હોય તો તેઓ પોતે ખેડૂતોના ઘરે જઈ મદદરૂપ બને છે અને માર્ગદર્શન આપે છે. ગુજરાતના અનેક જિલ્લાના ખેડૂતો અને કૃષિના વિધાર્થીઓ કરશનભાઇના ખેતરની મુલાકતે આવે છે
પ્રાકૃતિક ખેતી એ ઉત્તમ પ્રકારની ખેતી છે. પ્રાકૃતિક ખેતીથી પકવેલ ઉતમ અને શુદ્ધ આહાર મળી રહે છે. આવનારી આપણી પેઢીને સ્વસ્થ અને તદુંરસ્ત રાખવા માટે ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરો જેનાથી જમીન ફળદ્રુપ બનશે. વરસાદના પાણીનો સંગ્રહ વધુ થશે. અનાજ અને શાકભાજી ગુણકારી બનશે તેમજ પ્રાકૃતિક ખેતીથી સૌને રોગમુક્ત રાખી શકાય છે
બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 166304
Views Today : 