>
Wednesday, March 18, 2026

ગીર પંથકમાં રેલવેના અન્યાય સામે જનઆક્રોશ: હરમડીયા સ્ટેશને આજથી પ્રતીક ઉપવાસના મંડાણ

ગીર પંથકમાં રેલવેના અન્યાય સામે જનઆક્રોશ: હરમડીયા સ્ટેશને આજથી પ્રતીક ઉપવાસના મંડાણ

 

ગીર ગઢડા/હરમડીયા

છેલ્લા લાંબા સમયથી ગીર પંથકની જીવાદોરી સમાન રેલવે ટ્રેનો બંધ કરી દેવાતા અને ટાઈમ ટેબલમાં ફેરફાર કરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં રેલવે તંત્ર દ્વારા કોઈ સકારાત્મક પગલાં ન લેવાતા, પાંચ તાલુકાના અંતરિયાળ ગામડાઓના લોકોએ આજથી ૧૮-૦૩-૨૦૨૬ ના રોજ હરમડીયા રેલવે સ્ટેશન સામે પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે.

 

મુખ્ય પ્રશ્નો અને લોકમાંગણી

 

રેલવે તંત્ર દ્વારા જુનાગઢ-દેલવાડા (૫૨૯૫૧) અને વેરાવળ-દેલવાડા (૫૨૯૪૯/૫૨૯૫૦) જેવી મહત્વની ટ્રેનો બંધ રાખવા અથવા તેના સમયમાં ફેરફાર કરવાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

ગામડાઓને અન્યાય: રેલવે દ્વારા શહેરોની ફાટકોની સમસ્યા બતાવીને ગ્રામીણ વિસ્તારોની ટ્રેનો બંધ કરી દેવાતા પાંચ તાલુકાના હજારો લોકોની પરિવહન સેવા છીનવાઈ ગઈ છે.

વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવ: સ્થાનિકોનું કહેવું છે કે જો શહેરોમાં ફાટક નડતરરૂપ હોય તો ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવા જોઈએ, તેના બદલે વર્ષો જૂની ટ્રેન સેવા બંધ કરી દેવી તે ગ્રામીણ જનતા સાથે અન્યાય છે.

 

હરમડીયા અને ગીર ગઢડામાં વિરોધ પ્રદર્શન

 

આજે ગીર ગઢડા અને હરમડીયા રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં ગ્રામજનો અને મુસાફરો ઉમટી પડ્યા હતા. ટ્રેન રોકીને તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. લોકોનો આક્ષેપ છે કે G.M. અને D.R.M. કક્ષાએ રજૂઆતો કરવા છતાં તંત્ર માત્ર આશ્વાસન આપી રહ્યું છે.

“આ રેલવે સેવા એ ગીરના અંતરિયાળ ગામડાઓ માટે ઈશ્વરે આપેલી ભેટ સમાન છે. જ્યાં સુધી અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રતીક ઉપવાસ ચાલુ રહેશે.” – સ્થાનિક આંદોલનકારીઓ

 

આંદોલનનું રણશિંગુ

 

આજથી શરૂ થઈ રહેલા આ આંદોલનમાં આસપાસના અનેક ગામોના સરપંચો અને સામાજિક આગેવાનો જોડાનાર છે. જો તંત્ર દ્વારા વહેલી તકે ગાડીઓ પુનઃ શરૂ કરવાનો નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ લડત વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores