દ્રોણ ગામે ગાળો બોલવાની ના પાડતા દુકાનદાર પર છરી વડે હુમલો, મામા-ભાણિયા ઝડપાયા
ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ દુકાનદાર પર છરી વડે હુમલો થયાની ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ દ્રોણ ગામમાં લાલજીભાઈ બારૈયા ‘સંત કૃપા’ નામની દુકાન ચલાવે છે. 2 દિવસ પૂર્વે રાત્રિના આશરે 9 વાગ્યે બે ઈસમો રહીમ અને સાજીદ દુકાન પાસે આવી ગાળો બોલતા હતા.તે સમયે દુકાન પર હાજર લાલજીભાઈના પત્નીએ બંનેને ગાળો બોલવાની ના પાડી હતી. બાદમાં લાલજીભાઈ દુકાન પર આવતા મામા-ભાણિયાને પણ ગાળો નહીં બોલવા જણાવ્યું હતું.આ બાબતે ઉશ્કેરાયેલા ભાણિયાએ પોતાના ઘરેથી છરી લઈ આવી હોવાનું જણાવાય છે. ત્યારબાદ મામા-ભાણિયા બંનેએ લાલજીભાઈ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.હુમલામાં લાલજીભાઈને છાતી તેમજ પડખાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને 108 મારફતે ઊના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વેરાવળની વિમ્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા.ઘટનાની જાણ થતાં ગીર ગઢડા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આરોપીઓને ઝડપી પાડવા ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે ગંભીર ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા


