સાબરકાંઠાના વદરાડ ખાતે ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ.
પ્રાંતિજમાં રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વન મહોત્સવ યોજાયો; પર્યાવરણ અને યોગના સમન્વય પર અપાયો ભાર‘એક વ્યક્તિ એક વૃક્ષ, એક પરિવાર અનેક વૃક્ષ’ના મંત્ર સાથે સાબરકાંઠા જિલ્લામાં વ્યાપક વૃક્ષારોપણનો પ્રારંભ..
પ્રકૃતિ અને માનવજીવનના અતૂટ નાતાને જીવંત રાખવા વૃક્ષારોપણ સાથે જતન અનિવાર્ય: શિશપાલસિંહ રાજપૂત
વન મહોત્સવમાં જનભાગીદારી દ્વારા ગ્રીન સાબરકાંઠા બનાવવા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલનું આહ્વાન

પર્યાવરણ રક્ષણ અને જળ સંચય ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપનાર કર્મયોગીઓ અને પંચાયતોનું વિશેષ બહુમાન
સાબરકાંઠા જિલ્લામાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ ૭૭મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રાંતિજ તાલુકાના વદરાડ સ્થિત ઉમિયાધામ ખાતે યોજાઈ હતી. કાર્યક્રમની અધ્યક્ષતા રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલસિંહ રાજપૂતે કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોનું જતન, પર્યાવરણ સંરક્ષણ, જળસંચય અને યોગને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.
રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલસિંહ રાજપૂતે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે માનવજીવન અને પ્રકૃતિ એકબીજા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે, અને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર તથા જતન કરવું આજના સમયની તાતી જરૂરિયાત છે. તેમણે વૃક્ષોને પર્યાવરણનું સંતુલન, જળસંચય, શુદ્ધ હવા અને માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. સાથે જ તેમણે નિયમિત યોગને પણ સ્વસ્થ જીવન માટે એટલું જ જરૂરી ગણાવતાં, દરેક વ્યક્તિને વૃક્ષ, પર્યાવરણ, જળ અને યોગને પોતાના જીવનમાં સ્થાન આપી સ્વસ્થ-સુખી સમાજના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
આ મહોત્સવમાં વરિષ્ઠ વન અધિકારી શ્રી સી.કે. સોનવણે, નાયબ વન સંરક્ષક શ્રી ડૉ. ડી.એફ. ગઢવી, નાયબ વન સંરક્ષક શ્રી પી.જે. ચૌધરી, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી શ્રી મૌલિક ડાંગા, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા, ઉમિયાધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આસપાસની ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ, વન વિભાગના અધિકારી-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રીપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


