ઉના તાલુકા પંચાયતમાં કર્મચારીના ગેરવર્તનનો કિસ્સો: સિનિયર ક્લાર્કનો અસભ્ય વ્યવહાર ચર્ચામાં
ઉના તાલુકા પંચાયત કચેરી ફરી એકવાર તેમના કર્મચારીઓના ગેરવર્તન અને અયોગ્ય વ્યવહારને કારણે ચર્ચામાં આવી છે. તાજેતરનો કિસ્સો સિનિયર ક્લાર્ક સાથે સંકળાયેલો છે, જેમણે એક પત્રકાર સાથે ઉગ્ર ભાષામાં વાત કરી અને અસભ્ય વર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, એક પત્રકારે પાણીની સુવિધા અંગે પ્રશ્ન પૂછતાં સિનિયર ક્લાર્ક ઉશ્કેરાઈ ગયા હતા અને આક્રમક રીતે જવાબ આપ્યો હતો કે, “પાણી ગમે ત્યાંથી પી લેવું.” જ્યારે પત્રકારે તેમનું નામ પૂછ્યું, ત્યારે તેઓ વધુ ઉગ્ર બની ગયા અને કહ્યું, “તમે કોણ છો મારું નામ પૂછવાવાળા?”આ કિસ્સો અને સિનિયર ક્લાર્કનો આ પ્રકારનો વ્યવહાર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. શું સરકારી અધિકારીઓ કે કર્મચારીઓના નામ પૂછવા એ કોઈ ગુનો છે? જો કોઈ અધિકારી જનતાના પ્રશ્નોના જવાબ આપવા તૈયાર ન હોય અને આવા અસભ્ય રીતે વર્તે, તો સામાન્ય નાગરિકોની શું સ્થિતિ થતી હશે?જ્યારે પત્રકારે આ અંગે તાલુકા વિકાસ અધિકારી (TDO) અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને ફરિયાદ કરવાની વાત કરી, ત્યારે સિનિયર ક્લાર્ક વધુ ઉગ્ર બનીને કહ્યું કે, “જ્યાં કરવી હોય ત્યાં કરી દેજો.” આ પ્રકારનું વલણ દર્શાવે છે કે તેમને પોતાના ઉપરી અધિકારીઓનો પણ કોઈ ડર નથી.લોકો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે જિલ્લા વિકાસ અધિકારી આવા બેજવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરે અને તેમને શિસ્તનો પાઠ ભણાવે. સરકારી કચેરીઓ જનતાની સેવા માટે હોય છે, અને આવા વર્તનથી લોકોનો સરકારી તંત્ર પરથી વિશ્વાસ ઉઠી શકે છે. આ ઘટના સરકારી કચેરીઓમાં પારદર્શિતા અને નાગરિકો પ્રત્યેના જવાબદારીભર્યા વર્તનની જરૂરિયાત પર ભાર મૂકે છે.