>
Monday, August 24, 2026

ગાંધીનગર ખાતે ગુજકોમાસોલ ની 65 મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું

ગાંધીનગર ખાતે ગુજકોમાસોલ ની 65 મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું

 

ગુજકોમાસોલનું ઐતિહાસિક પ્રદર્શન, રૂ. 11,479 કરોડનું ટર્નઓવર

 

65મી વાર્ષિક સાધારણ સભામાં ખેડૂતોને 20 ટકા ડિવિડન્ડ આપવાનો નિર્ણય; ખાતર, બિયારણ અને ટેકાના ભાવે ખરીદીમાં નોંધપાત્ર કામગીરી

ગુજકોમાસોલની 65મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં ગુજકોમાસોલ તથા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, વાઇસ ચેરમેન બિપિન પટેલ, કૃષિમંત્રી જીતુ વાઘાણી, જયેશ રાદડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સભામાં સંસ્થાની વર્ષ 2025-26ની કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ગુજકોમાસોલે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી વધુ રૂ. 11,479 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે. સંસ્થાનો ગ્રોસ પ્રોફિટ રૂ. 152.63 કરોડ રહ્યો હતો, જ્યારે કરવેરા બાદ આશરે રૂ. 60 કરોડનો નફો નોંધાયો છે.

ખાસ કરીને ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેતા ગુજકોમાસોલ દ્વારા ચાલુ વર્ષે 20 ટકા ડિવિડન્ડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સંસ્થાના રિઝર્વ અને અન્ય ફંડમાં રૂ. 61.88 કરોડનો વધારો થયો છે અને રિઝર્વ ફંડ વધીને રૂ. 216 કરોડ સુધી પહોંચ્યું છે.

ખાતર વિતરણમાં મોટી કામગીરી

ગુજકોમાસોલ દ્વારા ખેડૂતોને ખાતર પહોંચાડવામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. ચાલુ વર્ષે કુલ 17.59 લાખ મેટ્રિક ટન ખાતરનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે બિયારણ વિભાગ દ્વારા ખેડૂતોને રૂ. 114.79 કરોડનું શુદ્ધ અને સર્ટિફાઇડ બિયારણ પૂરું પાડવામાં આવ્યું છે.

ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદીમાં પણ અત્યાર સુધીની સૌથી મોટી કામગીરી કરવામાં આવી છે. ગુજકોમાસોલ દ્વારા રૂ. 8,680 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.

15 હજાર એકરમાં ડ્રોનથી છંટકાવ

ખેતીમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા રાજ્યભરમાં ડ્રોન ટેકનોલોજી અંગે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 15 હજારથી વધુ એકર વિસ્તારમાં ડ્રોન દ્વારા છંટકાવ કરવામાં આવ્યો છે.

કર્મચારીઓના હિતમાં પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજકોમાસોલના કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરવાનો નિર્ણય બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે.

‘ગુજકો’ બ્રાન્ડથી ખેડૂતોના ઉત્પાદનોનું માર્કેટિંગ

ખેડૂતોના ઉત્પાદનોને દેશ-વિદેશના બજારમાં પહોંચાડવા માટે ‘ગુજકો’ નામની નવી બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી છે. આ માધ્યમથી ગુજરાતના ખેડૂતોના ઉત્પાદનોને વધુ મોટું બજાર મળે તે માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

‘ગુજકો મોલ’ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ, વડોદરા, સુરત અને જામનગર સહિત કુલ 7 મોલ કાર્યરત કરવામાં આવ્યા છે. આગામી સમયમાં રાજ્યના અન્ય શહેરોમાં પણ મોલનો વ્યાપ વધારવાનું આયોજન છે. લાંબા ગાળે ગુજરાતમાં 250 ગુજકો મોલ બનાવવાનું આયોજન હોવાનું ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું.

600 વારની ઓફિસથી 5 વિઘાના ભવન સુધીની સફર

ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ સંસ્થાની વિકાસયાત્રા અંગે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ચૂંટાઈને સંસ્થામાં આવ્યા ત્યારે ગુજકોમાસોલની ઓફિસ માત્ર 600 વારની હતી. તેમનું માનવું હતું કે ખેડૂતોની સંસ્થા હોય તો તેની ઓફિસ પણ ભવ્ય અને યોગ્ય હોવી જોઈએ.

આ વિચાર સાથે ગાંધીનગરમાં ગુજકોમાસોલનું કાર્યાલય 5 વિઘામાં વિકસાવવામાં આવ્યું છે. દેશભરમાંથી વિવિધ સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ આ ભવનની મુલાકાત લઈ ચૂક્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. સંસ્થાને કોર્પોરેટ લેવલનું ભવન આપવામાં આવ્યું છે, પરંતુ તેની આત્મા સહકારી જ રાખવામાં આવી છે.

સંસ્થાના વધતા ટર્નઓવર અંગે સંઘાણીએ જણાવ્યું કે ગુજકોમાસોલનું ટર્નઓવર આશરે 200 ટકા વધીને રૂ. 11,479 કરોડ સુધી પહોંચ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ‘સહકારથી સમૃદ્ધિ’ના સૂત્રને સાકાર કરવાની દિશામાં સહકારી ક્ષેત્રે કામગીરી થઈ રહી છે.

ટેકાના ભાવે ખરીદી ખેડૂતો માટે લાભદાયી : દિલીપ સંઘાણી

ટેકાના ભાવે ખરીદી અંગે દિલીપ સંઘાણીએ જણાવ્યું કે ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવતી ખરીદીનો સીધો લાભ ખેડૂતોને મળે છે. ભૂતકાળમાં રાજકીય નિર્ણયોના કારણે ખરીદી ન કરવામાં આવી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે જો પુરવઠા નિગમ દ્વારા ખરીદી કરવામાં આવે તો તેનો સીધો લાભ ખેડૂતોને મળતો નથી, જ્યારે ગુજકોમાસોલ ખરીદીમાંથી થતી આવકનો લાભ ખેડૂતોને ડિવિડન્ડના સ્વરૂપે આપે છે. આ રીતે ખેડૂતોના વિકાસમાં સહકારી સંસ્થાની ભૂમિકા મહત્વપૂર્ણ બને છે.

મહેસાણા ખાતે એગ્રી લોજિસ્ટિક પાર્ક બનાવવામાં આવ્યો છે, જેને ટૂંક સમયમાં ખુલ્લો મૂકવામાં આવશે. સાથે જ ગાંધીનગરમાં ગુજકોમાસોલનું ઈલેક્ટ્રિક વાહનો માટેનું ચાર્જિંગ સ્ટેશન પણ શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં કોમર્શિયલ દરે કોઈપણ ઈલેક્ટ્રિક વાહન ચાર્જ કરી શકાશે.

કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કરી કામગીરીની પ્રશંસા

કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ગુજકોમાસોલની કામગીરીને અભિનંદન આપતા જણાવ્યું કે બિયારણ ક્ષેત્રમાં ડુપ્લિકેટ અને ભેળસેળવાળા બિયારણથી નફો કમાવાની પ્રવૃત્તિ સામે સાવચેતી જરૂરી છે. ખાતર, દવા અને બિયારણના ક્ષેત્રમાં ગુજકોમાસોલે સારી કામગીરી કરી હોવાનું તેમણે જણાવ્યું.

સ્પર્ધાના સમયમાં વેલ્યુ એડિશન જરૂરી હોવાનું જણાવી તેમણે કહ્યું કે ગુજકોમાસોલ ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં ચાર્જિંગ સ્ટેશન અંગેની પોલિસી જાહેર કરવા જઈ રહી છે અને સહકારી ધોરણે ચાર્જિંગ સ્ટેશન ઊભા થાય તે માટે તેઓ સૂચન કરશે તેમ જણાવ્યું.

જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે આજે ખેડૂત હોવું ગૌરવની વાત છે. ગુજરાતમાં સિંચાઈની સ્થિતિમાં અગાઉની સરખામણીએ મોટો સુધારો થયો છે. રાજ્યમાં 62.73 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થાય છે અને સિંચાઈની ક્ષમતામાં હજુ વધારો કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.

તેમણે સરકાર અને સહકારી ક્ષેત્ર દ્વારા કરવામાં આવતા સકારાત્મક કાર્યોની માહિતી ખેડૂતોના ઘર સુધી પહોંચાડવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.

પ્રાકૃતિક ખાતર અંગે ચિંતા કરવાની જરૂર નથી : વાઘાણી

પ્રાકૃતિક ખાતરના ઉપયોગ અંગે કૃષિમંત્રીએ જણાવ્યું કે તેના કારણે ઉત્પાદન ઘટશે નહીં. રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા સંશોધન કરવામાં આવ્યું છે અને ખેડૂતોને આ અંગે ચિંતા કરવાની જરૂર નથી.

તેમણે જણાવ્યું કે રાજ્યમાં રાસાયણિક ખાતરના ઉપયોગમાં પણ ઘટાડો નોંધાયો છે અને આશરે 34 હજાર મેટ્રિક ટન રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટ્યો છે.

આ ઉપરાંત સહકારી બેંકોને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ વિચારણા જરૂરી હોવાનું જણાવાયું હતું. સરકારની નીતિઓમાં એક તરફ વિકાસ અને બીજી તરફ સામાન્ય માણસ પર ભારણ ન પડે તે બંને પાસાઓનું સંતુલન જાળવવું જરૂરી હોવાનું પણ કૃષિમંત્રીએ જણાવ્યું.

ગુજકોમાસોલની 65મી વાર્ષિક સાધારણ સભામાં રજૂ થયેલા આ આંકડા સંસ્થાની વધતી આર્થિક ક્ષમતા સાથે ખેડૂતોને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતી સહકારી કામગીરીની દિશા દર્શાવે છે.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores