પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવમાં અલ્પા પ્રજાપતિને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત..
તેમજ પ્રમાણપત્ર એનાયત કરાયું
ગુજરાતની ૧૨૫ શાળાઓમાં સાબરકાંઠાની શ્રી જૂના માલપુર પ્રાથમિક શાળાનું ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન.
ગુજરાત રાજ્યની કુલ ૧૨૫ શાળાઓને સામાજિક જાગૃતિ, બાળ અધિકારો તથા સમાજલક્ષી પ્રવૃત્તિઓના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત થયું છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની શ્રી જૂના માલપુર પ્રાથમિક શાળાએ પણ સ્થાન મેળવી સમગ્ર સાબરકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

શ્રી જૂના માલપુર પ્રાથમિક શાળા દ્વારા શિક્ષણની સાથે-સાથે ઈકો બ્રિક્સનું નિર્માણ, ચકલીઓ માટે માળા તૈયાર કરવા, પર્યાવરણ સંરક્ષણ, પક્ષી સંરક્ષણ, બાળ અધિકારો, સામાજિક જાગૃતિ તથા સમાજોપયોગી પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં જવાબદારી, સંવેદનશીલતા અને સામાજિક મૂલ્યો વિકસે તે માટે શાળા દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
શાળાની આ સામાજિક પ્રતિબદ્ધતા અને સેવાભાવી પ્રવૃત્તિઓને રાષ્ટ્રીય સ્તરે મળેલી આ માન્યતા શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સમગ્ર ગામ માટે ગૌરવની બાબત બની છે.
તા. ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ શાંતિવન ઈન્દ્રશીલ તીર્થ, ધોળકા, જિલ્લા અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં માનનીય શ્રી ડી. ડી. કાપડિયા સાહેબ, સચિવશ્રી, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગર તથા માનનીય શ્રી પુલકિતભાઈ જોષી સાહેબ, પૂર્વ મદદનીશ સચિવશ્રી, માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના હસ્તે શ્રી જૂના માલપુર પ્રાથમિક શાળાને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યાનો એવોર્ડ તથા પ્રમાણપત્ર શિક્ષિકા શ્રીમતી અલ્પાબેન પ્રજાપતિને એનાયત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શિક્ષિકા અલ્પાબેન પ્રજાપતિનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ શાળાના શિક્ષકોની નિષ્ઠા, વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી, વાલીઓના સહકાર તથા સામૂહિક મહેનતનું પરિણામ હોવાનું શાળા પરિવાર દ્વારા જણાવાયું હતું.
શાળાની આ સિદ્ધિ માત્ર રેકોર્ડ પૂરતી સીમિત ન રહેતા પર્યાવરણ અને પક્ષી સંરક્ષણ ક્ષેત્રે પણ પ્રેરણારૂપ બની છે. ઈકો બ્રિક્સ દ્વારા પ્લાસ્ટિકના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ અને ચકલીઓના માળા દ્વારા પક્ષી સંરક્ષણની કામગીરી સાથે શાળા શિક્ષણ તથા સામાજિક જવાબદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડી રહી છે.
બ્યુરો રિપોર્ટ : વિશાલ ચૌહાણ, સાબરકાંઠા
મો. 9998340891


